Isaiah 45

1યહોવાહ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે,
તેની આગળ દેશોને તાબે કરવા, રાજાઓનાં હથિયાર મુકાવી દેવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે
અને દરવાજા ખૂલી જશે અને તે દ્વારો બંધ કરવામાં આવશે નહિ.

2“હું તારી આગળ જઈશ અને પર્વતોને સપાટ કરીશ;

હું પિત્તળના દરવાજાઓના ટુકડેટુકડા કરી નાખીશ તથા લોખંડની ભૂંગળોને કાપી નાખીશ.
3અને હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ,
જેથી તું જાણે કે હું તારું નામ લઈને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ છું.

4મારા સેવક યાકૂબને લીધે અને મારા પસંદ કરેલા ઇઝરાયલને લીધે,

મેં તને તારું નામ લઈને બોલાવ્યો છે; જો કે તેં મને ઓળખ્યો નથી તો પણ મેં તને અટક આપી છે.
5હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી; મારા સિવાય કોઈ ઈશ્વર નથી.
જો કે તેં મને ઓળખ્યો નથી, તો પણ હું તને યુદ્ધ માટે તૈયાર કરીશ;
6એથી પૂર્વથી તથા પશ્ચિમ સુધી સર્વ લોકો જાણે કે મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.
હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી.

7પ્રકાશનો કર્તા અને અંધકારનો ઉત્પન્ન કરનાર હું છું;

હું શાંતિ અને સંકટ લાવનાર; હું, યહોવાહ એ સર્વનો કરનાર છું.
8હે આકાશો, તમે ઉપરથી વરસો! હે વાદળો તમે ન્યાયી તારણ વરસાવો.
પૃથ્વીને તે શોષી લેવા દો કે તેમાંથી ઉધ્ધાર ઊગે
અને ન્યાયીપણું તેની સાથે ઊગશે. મેં, યહોવાહે તે બન્નેને ઉત્પન્ન કર્યાં છે.

9જે કોઈ પોતાના કર્તાની સામે દલીલ કરે છે તેને અફસોસ! તે ભૂમિમાં માટીના ઠીકરામાંનું ઠીકરું જ છે!

શું માટી કુંભારને પૂછશે કે, ‘તું શું કરે છે?’ અથવા ‘તું જે બનાવી રહ્યો હતો તે કહેશે કે - તારા હાથ નથી?’

10જે પિતાને કહે છે, ‘તમે શા માટે પિતા છો?’ અથવા સ્ત્રીને કહે, ‘તમે કોને જન્મ આપો છો?’ તેને અફસોસ!


11ઇઝરાયલના પવિત્ર, તેને બનાવનાર યહોવાહ કહે છે:

‘જે બિનાઓ બનવાની છે તે વિષે, તમે શું મને મારાં બાળકો વિષે પ્રશ્ન કરશો? શું મારા હાથનાં કાર્યો વિષે તમે મને કહેશો કે મારે શું કરવું?’

12‘મેં પૃથ્વીને બનાવી અને તે પર મનુષ્યને બનાવ્યો.

તે મારા જ હાથો હતા જેણે આકાશોને પ્રસાર્યાં અને મેં સર્વ તારાઓ દ્રશ્યમાન થાય તેવી આજ્ઞા આપી.

13મેં કોરેશને ન્યાયીપણામાં ઊભો કર્યો છે અને તેના સર્વ માર્ગો હું સીધા કરીશ.

તે મારું નગર બાંધશે; અને કોઈ મૂલ્ય કે લાંચ લીધા વિના તે મારા બંદીવાનો ઘરે મોકલશે,” સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે.

14યહોવાહ આ પ્રમાણે કહે છે,

“મિસરની કમાણી અને કૂશના વેપારીઓ તથા કદાવર સબાઈમ લોકો
એ સર્વ તારે શરણે આવશે. તેઓ તારા થશે. તેઓ સાંકળોમાં, તારી પાછળ ચાલશે.
તેઓ તને પ્રણામ કરીને તને વિનંતી કરશે કે,
‘ખરેખર ઈશ્વર તારી સાથે છે અને તેમના સિવાય બીજો કોઈ નથી.’”
15હે ઇઝરાયલના ઈશ્વર, તારનાર, ખરેખર તમે ઈશ્વર છો જે પોતાને ગુપ્ત રાખે છે.

16જેઓ મૂર્તિઓ બનાવે છે તેઓ લજ્જિત અને કલંકિત થશે; તેઓ અપમાનમાં ચાલશે.

17પરંતુ યહોવાહના અનંતકાળિક ઉધ્ધારથી ઇઝરાયલ બચી જશે;
તું ફરીથી ક્યારેય લજ્જિત કે અપમાનિત થઈશ નહિ.

18જેણે આકાશો ઉત્પન્ન કર્યાં, સાચા ઈશ્વર, યહોવાહ એવું કહે છે,

તેમણે આ પૃથ્વી ઉત્પન્ન કરી અને બનાવી, એને સ્થાપન કરી.
તેમણે તે ખાલી રાખવા માટે નહિ પણ વસ્તી માટે ઉત્પન્ન કરી છે:
હું યહોવાહ છું અને મારી બરોબરી કરનાર કોઈ નથી.

19હું ખાનગીમાં કે ગુપ્ત સ્થાનમાં બોલ્યો નથી;

મેં યાકૂબનાં સંતાનોને કહ્યું નથી કે, ‘મને ફોગટમાં શોધો!’
હું યહોવાહ, સત્ય બોલનાર; સાચી વાતો પ્રગટ કરું છું.”

20વિદેશમાંના શરણાર્થીઓ તમે એકત્ર થાઓ, સર્વ એકઠા થઈને પાસે આવો.

જેઓ કોરેલી મૂર્તિઓને ઉપાડે છે અને જે બચાવી નથી શકતા તેવા દેવને પ્રાર્થના કરે છે તેઓને ડહાપણ નથી.

21પાસે આવો અને મને જાહેર કરો, તમારા પુરાવા રજૂ કરો! તેઓને સાથે ષડયંત્ર રચવા દો.

પુરાતનકાળથી આ કોણે બતાવ્યું છે? કોણે આ જાહેર કર્યું છે?
શું તે હું, યહોવાહ નહોતો? મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, ન્યાયી ઈશ્વર અને તારનાર; મારા જેવો બીજો કોઈ નથી.

22પૃથ્વીના છેડા સુધીના સર્વ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો;

કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી.
23‘મેં મારા પોતાના સમ ખાધા છે,
ફરે નથી એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે:
મારી આગળ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે,

24તેઓ કહેશે, “ફક્ત યહોવાહમાં મારું તારણ અને સામર્થ્ય છે.”

જેઓ તેમના પ્રત્યે ક્રોધિત થયેલા છે, તેઓ તેમની સમક્ષ લજવાઈને સંકોચાશે.
ઇઝરાયલનાં સર્વ સંતાનો યહોવાહમાં ન્યાયી ઠરશે; તેઓ પોતાનાં અભિમાન કરશે.
25

Copyright information for GujULB